રાખ મા
આંસુઓ પાંપણ પછીતે, દર્દ છાનાં રાખ મા,
ના મળાયું તો ભલે, પણ તું બહાનાં રાખ મા.
જે ગયું તે તો ગયું, એની કબર ખોદીશ મા,
ભગ્ન સપનાંના નકામા એ ખજાના રાખ મા.
આજ જીવી લે ભરી, આ પળ મળી છે દોસ્ત, બસ,
કાલની ચિંતા, ગયેલા એ જમાના રાખ મા.
કુદરતે દીધું તને આકાશ જેવું ઉર, ભલા,
તો પછી મન ને હૃદય તું સાવ નાનાં રાખ મા.
ફૂલ સૂકું થઈ ગયું, પણ મ્હેક રાખી, ઓ ‘પરાગ’,
ડાયરીમાં સૂકવેલાં બંધ પાનાં રાખ મા.
– પરાગ રતનપરા
#ગઝલ #બોધ #વર્તમાન #મુક્તિ #ઉદારતા #પરાગરતનપરા
#GujaratiGhazal #LetGo #LiveInThePresent #OpenHeart #Wisdom #ParagRatanpara