← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પુરુષ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ રડતો નથી,
એવું સૌ માને છે.

એ તો ફક્ત
બાથરૂમનો નળ
થોડો વધારે ખુલ્લો રાખે છે.

દીકરીની વિદાય વખતે
એ જાનૈયાઓના
જમણની ગણતરીમાં વ્યસ્ત હોય છે.
બાપના અગ્નિસંસ્કારે
એ લાકડાંના ભાવ પૂછે છે.

ને રાતે
જ્યારે આખું ઘર સૂઈ જાય,
ત્યારે એ
ધાબે જઈને
ચાંદ સામે સિગારેટ સળગાવે છે —

ધુમાડો ઊંચે ચડે છે,
ને આંખો બળે છે.

સવારે કોઈ પૂછે તો કહે છે:
‘ધુમાડાને લીધે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછે ગઝલઆગલો લેખ →દીકરાને — પહેલી સાઇકલ