પ્રસંગ
જન્મદિવસ,
જનોઈ,
સીમંત,
લગ્ન —
ઘરના દરેક પ્રસંગના આલ્બમમાં
બધાં છે:
ફોઈ, મામા, કાકા, ભત્રીજા,
વરઘોડાનો ઘોડો પણ.
નથી તો ફક્ત બા.
બા ક્યાં હતી?
રસોડામાં —
લાડુ વાળતી,
દાળમાં મીઠું ચાખતી,
દરવાજે ડોકું કાઢી
‘સૌ જમ્યા કે?’ પૂછતી.
આજે બા ગઈ.
ને પહેલી વાર
એનો ફોટો
સુખડનો હાર પહેરીને
દીવાનખાનાની બરાબર વચ્ચે છે.
ઘરનો આ પહેલો પ્રસંગ
જેમાં બા
રસોડામાં નથી.
– પરાગ રતનપરા