પોકારે
નથી શબ્દો, નથી હોઠો, છતાં આ આંખ પોકારે,
ગયું પંખી, છતાં ડાળે ખરેલી પાંખ પોકારે.
ચિતા ઠંડી પડી, ને સૌ સગાં ચાલ્યાં ગયાં ઘેરે,
સ્મશાને તો હજી એની ઠરેલી રાખ પોકારે.
હતાં વચનો, હતાં સપનાં, ન સાક્ષી કોઈ પણ ત્યારે,
નદી, તારા, પવન, ચાંદો, બધાંની સાખ પોકારે.
ઘણું દેવું થયું બેટે, ભલે તાળાં દુકાને છે,
હજી બાજારમાં ઊંચી, પિતાની શાખ પોકારે.
પરાગે ફૂલથી ઊડી, ફરી આખું જગત જોયું,
ભળે જ્યાં ધૂળમાં ત્યારે, સુગંધી ખાખ પોકારે.
– પરાગ રતનપરા
#ગઝલ #મૌન #સાક્ષી #સ્મૃતિ #અબોલવાણી #પરાગરતનપરા
#GujaratiGhazal #SilentSpeech #Witness #Legacy #UnspokenWords #ParagRatanpara