પથ્થર
એક જ ખાણમાંથી
બે પથ્થર નીકળ્યા.
એકને શિલ્પીએ
ટાંકણે ટાંકણે ઘડ્યો —
મૂર્તિ બન્યો,
ગર્ભગૃહમાં બેઠો,
ફૂલ, ચંદન, આરતી.
બીજો
મંદિરનું પગથિયું બન્યો.
વરસો સુધી
મૂર્તિ જોતી રહી:
ભક્તો આવે,
પહેલાં પગથિયાને અડે,
માથું નમાવે,
ને પછી જ
અંદર આવે.
એક રાતે
મૂર્તિએ ધીમેથી પૂછ્યું:
‘ભાઈ, તને ઘડ્યો કોણે?
તારે તો ટાંકણું પણ ક્યાં વાગ્યું?’
પગથિયું હસ્યું:
‘મને લાખ પગે ઘડ્યો છે —
ઘસાઈ ઘસાઈને.’
– પરાગ રતનપરા