પરીક્ષા
ગઈ રાતે
સપનામાં
હું ફરી નિશાળે ગયો.
પરીક્ષા હતી.
પ્રશ્નપત્ર હાથમાં આવ્યું —
એક પણ જવાબ
આવડતો નહોતો.
ઘડિયાળ દોડતી હતી,
હાથ ધ્રૂજતા હતા.
પરસેવે રેબઝેબ
જાગી ગયો.
પછી હસવું આવ્યું —
પચાસ વર્ષે
હવે ક્યાં પરીક્ષા?
પછી
અરીસામાં
ધોળા વાળ જોયા,
દવાની ગોળીઓ,
દીકરાનો અબોલો,
બાકી રહેલા હપ્તા.
હસવું અટકી ગયું.
પ્રશ્નપત્ર તો
હજી હાથમાં જ છે.
– પરાગ રતનપરા