← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પરપોટા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓસરીમાં
પૌત્ર
સાબુના પરપોટા ઉડાડે છે.

એક,
બીજો,
પાંચ, દસ —
તડકામાં સાત રંગ ઝળકે,
ને ફટ્ — ફૂટી જાય.

દરેક પરપોટો ફૂટે
ને એ ખડખડાટ હસે.

હું
હીંચકે બેઠો બેઠો
વિચારું છું:
મારાં બધાં વર્ષો
આ જ તો હતાં —
રંગીન,
ગોળ,
પાતળાં.

ફરક એટલો જ —
એ ફૂટતા ત્યારે
મને
હસતાં નહોતું આવડ્યું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમૂછનો વળઆગલો લેખ →અધૂરી રહી