પહેલું રુદન
ઑપરેશન થિયેટરની બહાર
હું બેઠો છું.
ઘડિયાળના કાંટા
સોય બનીને
મારી છાતીમાં ટાંકા લે છે.
અંદરથી
કોઈ અવાજ નથી.
બધું
શ્વાસ રોકીને ઊભું છે —
ભીંતો, બાંકડા, નર્સની ચંપલ,
મંદિરમાં મૂકેલો મારો રૂપિયો.
ને અચાનક —
એક રુદન.
પાતળું, ઝીણું,
ગુસ્સાવાળું,
જાણે કોઈએ
એની ઊંઘ બગાડી હોય.
આખી હૉસ્પિટલ
હસી પડી.
હું
રડી પડ્યો.
જગતમાં
આ એક જ રુદન એવું છે,
જેને સાંભળીને
સૌ તાળી પાડે છે.
– પરાગ રતનપરા