← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પહેલી ઉડાન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માળાની ધાર પર
બચ્ચું
ત્રણ વાર આગળ આવ્યું,
ત્રણ વાર પાછું ગયું.

નીચે
આખું આકાશ
ખાલી ખાલી હતું,
ને પાંખો
હજી માત્ર
બે અફવા હતી.

માએ કશું ન કહ્યું.
બસ
માળાની બીજી બાજુ જઈ
બેસી ગઈ.

ચોથી વાર
બચ્ચું પડ્યું —
ને પડતાં પડતાં
એને ખબર પડી
કે પડવું
અને ઊડવું
પહેલી પળે
એકસરખાં જ લાગે છે.

ફરક
બીજી પળે પડે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમૌલા, મારી જીભેઆગલો લેખ →સાંજનો દરિયો