પાસપોર્ટ
મારા પાસપોર્ટમાં
જન્મસ્થળ લખ્યું છે:
એક નાનકડા ગામનું નામ.
ઇમિગ્રેશનવાળો
એ નામ બોલી શકતો નથી,
જીભ લથડે છે,
ને હસીને સિક્કો મારી દે છે.
મને ગુસ્સો નથી આવતો.
એને ક્યાંથી ખબર
કે એ નામમાં
એક લીમડો છે,
એક કૂવો,
એક નિશાળ જેની ઘંટડી
હજી મારા કાનમાં વાગે છે,
ને એક ઓસરી
જ્યાં બા
હજી મારી રાહ જુએ છે.
એ નામ
બોલવાનું નથી,
જીવવાનું છે.
– પરાગ રતનપરા