ઓટલે બેહે
ડાગતર સાહેબ,
તમે કો’ છો ઈને ‘ડિપ્રેશન’ છે.
અમારે ગામડે તો
ઈને ‘મન ઊતરી ગ્યું’ કે’તા.
શે’રમાં ભણવા ગ્યો તંઈ
હસતો હસતો ગ્યો’તો,
થેલામાં મારા હાથના થેપલાં લઈને.
પાછો આવ્યો તંઈ
થેલો તો ઈ નો ઈ જ હતો,
પણ મોઢા ઉપરથી
કોઈ જાણે
અજવાળું ખંખેરી ગ્યું’તું.
તમે દવા લખો તો લખજો, સાહેબ,
પણ ઈ ચિઠ્ઠીમાં
એક લીટી ઈ ય લખજો
કે રોજ સાંજે
કોક ઈની હાર્યે
બે ઘડી ઓટલે બેહે,
ને કાંય પૂછે નંઈ.
– પરાગ રતનપરા