ઊગવામાં છે
ઘણી કાળી હતી રાતો, સિતારો ઊગવામાં છે,
ભલે તોફાન દરિયામાં, કિનારો ઊગવામાં છે.
ગયા છોડી બધા, ત્યારે હથેળી જોઈ મેં મારી,
મને મારો જ મારામાં સહારો ઊગવામાં છે.
ધરા ફાટી દુકાળે, તોય ખેડૂતે ધરી આશા,
હવે વરસાદ આવ્યો, ને નજારો ઊગવામાં છે.
અઝાનો ઝાલરો સાથે ભળીને, જોઈએ, લાગે,
પરોઢે જાગવા માટે પુકારો ઊગવામાં છે.
પરાગે ફૂલ ખરતું જોઈને પણ શોક ના કીધો,
નવે ઉપવન ફરી એનો ઉતારો ઊગવામાં છે.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #પરોઢ #શ્રદ્ધા #નવીશરૂઆત #પરાગરતનપરા
#GujaratiGhazal #Hope #NewDawn #Faith #FreshStart #ParagRatanpara