ન્યાય
ઘેટું
નદીએ પાણી પીતું હતું.
વરુ આવ્યું.
આ વખતે એણે
દલીલ ન કરી,
‘પાણી ડહોળ્યું’ એવું પણ ન કહ્યું.
એણે કેસ કર્યો.
અદાલત બેઠી.
વરુનો વકીલ — શિયાળ.
જજ — સિંહ.
સાક્ષી — ગીધ.
ઘેટાને પૂછ્યું:
‘તારો વકીલ ક્યાં?’
ઘેટું ચૂપ.
એની પાસે
ઊન સિવાય
કંઈ નહોતું.
ચુકાદો આવ્યો:
‘કાયદા મુજબ…’
જંગલમાં
હવે ઘેટાં
ખાઈ જવાતાં નથી —
એમનો
ન્યાય થાય છે.
– પરાગ રતનપરા