નિવૃત્તિ
નિવૃત્તિના બીજે દિવસે
એલાર્મ
રોજની જેમ
સાડા છએ વાગ્યું.
હું ઝબકીને ઊઠ્યો,
બૂટ શોધ્યા,
ટિફિન યાદ આવ્યું —
પછી યાદ આવ્યું
કે હવે
ક્યાંય જવાનું નથી.
એલાર્મ બંધ કર્યું.
પણ એ દિવસે
પહેલી વાર સમજાયું,
કે ચાળીસ વરસ
હું ઑફિસ નહોતો જતો;
એલાર્મ
મને લઈ જતું હતું.
હવે ઘડિયાળ
ખીંટી પર લટકે છે,
ને હું
મારા જ ઘરમાં
મહેમાનની જેમ
ચા પીઉં છું.
– પરાગ રતનપરા