નિરાકારને ધારવાની ભૂલ
અમે
એને ધારવા બેઠા.
કોઈએ
એને ચાર હાથ આપ્યા,
કોઈએ દાઢી,
કોઈએ ક્રૂસ,
કોઈએ માત્ર એક દિશા.
પછી
અમે ઝઘડ્યા —
કોના હાથ સાચા,
કોની દાઢી લાંબી,
કોની દિશા પવિત્ર.
ઝઘડામાં
ઘર બળ્યાં,
માણસ મર્યા,
ને મંદિરો-મસ્જિદો
ઊંચાં થતાં ગયાં.
એક બાળકે
રેતમાં
ગોળ કૂંડાળું દોર્યું,
ને કહ્યું,
‘આ ભગવાન.’
મેં પૂછ્યું,
‘હાથ ક્યાં? આંખ ક્યાં?’
એ બોલ્યું,
‘બધું અંદર છે,
બ્હાર દોરું તો
તમે ઝઘડશો.’
– પરાગ રતનપરા