નિભાડે મૂક
મધુર લાગે ભલે, મીઠા દિલાસાને નિભાડે મૂક,
ખરું ખોટું જવા દે, તું ભરોસાને નિભાડે મૂક.
કહે છે સૌ: ‘અમે તારા, અમે તારા સદા’, પણ તું
પડે વિપદા, પછી એ સૌ ખુલાસાને નિભાડે મૂક.
ઘડો કાચો રહી જાશે, ભલે રંગો ચડાવો, પણ
ઘડાની જેમ જીવનના તમાશાને નિભાડે મૂક.
અહીં શબ્દો મળે સસ્તા, મળે તાળી ય સસ્તામાં,
પ્રશંસાના ઢગેઢગ આ પતાસાને નિભાડે મૂક.
પરાગે ફૂલ ખીલ્યું’તું ભરેલા જેઠની લૂમાં,
સુગંધી જો થવું હો તો, પિપાસાને નિભાડે મૂક.
– પરાગ રતનપરા
#ગઝલ #ભરોસો #પરખ #જીવનબોધ #સંઘર્ષ #પરાગરતનપરા
#GujaratiGhazal #TrialByFire #Trust #LifeLessons #Authenticity #ParagRatanpara