નરસૈંયાને
આજે નરસૈંયાને કહું છું —
તળાજાના ઓટલેથી ઊઠો,
કરતાલ લઈને આવો.
જુઓ,
‘વૈષ્ણવજન’ હવે
સ્કૂલની પ્રાર્થનામાં ગવાય છે
ને પ્રાર્થના પૂરી થતાં જ
છોકરાઓ પૂછે છે એકબીજાને —
‘તારી અટક શી?’
પરદુઃખે ઉપકાર કરનારા
હવે ફોટો પડાવીને
ઉપકાર કરે છે.
ટોળું આવ્યું’તું ગઈ રાતે
એક ઝૂંપડી સુધી,
ને ઝૂંપડી તો
‘જે પીડ પરાઈ જાણે રે’
એ જ ગાતી ગાતી બળી ગઈ.
નરસૈંયા,
તમારી કરતાલ પાછી વગાડો —
આ વખતે ભજન માટે નહીં,
જગાડવા માટે.
– પરાગ રતનપરા