નદીને માફીપત્ર
પ્રિય નદી,
માફ કરજે.
બાળપણમાં
તારામાં કાગળની હોડી તરાવતો,
આજે
પ્લાસ્ટિકની થેલીઓ તરે છે.
તેં મારી બાને
માટલું ભરી આપ્યું,
મેં તને
ગટર ભરી આપી.
ગણપતિ, દશામા,
અમે બધાંને
તારા ખોળે વળાવ્યાં,
ને તારા માટે
એક દીવો ય ન તરાવ્યો.
હવે
તું રેતી થઈને સૂતી છે,
ને અમે
તારા કાંઠે
‘રિવરફ્રન્ટ’ બાંધી
સેલ્ફી લઈએ છીએ.
માફ કરજે…
કે પછી
ન કરતી.
ક્યારેક
પૂર બનીને આવજે
ને હિસાબ માગી લેજે.
– પરાગ રતનપરા