નદી
પહાડે એને ખોળામાં ઉછેરી,
ઝરણાંએ ગીત શીખવ્યાં,
વગડાએ લીલાં કપડાં પહેરાવ્યાં.
છતાં
એક રાત્રે
નદીએ સપનામાં
દરિયો જોયો.
બીજે દિવસે એ નીકળી પડી —
પથ્થરો ઠેબે ચડાવતી,
ગામડાંને પગે લાગતી,
શહેરની ગટરો ગળે વળગાડતી,
ડેમોમાં પુરાતી, છૂટતી,
રેતીમાં લગભગ મરતી.
અને અંતે
જ્યારે એ દરિયાને મળી
ત્યારે
એનું નામ જ ન રહ્યું.
સપનું પૂરું થવું
એટલે શું?
— એ પ્રશ્ન
નદી પાછળ છોડી ગઈ
ખારા પાણીના
એક લાંબા કાંઠા પર.
– પરાગ રતનપરા