← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નાનાં મરણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મરણ
એક જ વાર આવે છે —
એવું કોણે કહ્યું?

સવારે
દીકરાએ ‘બાય’ કહીને
પાછળ જોયા વગર
બારણું વાસ્યું,
ત્યારે થોડો મર્યો.

બપોરે
જૂની ડાયરીમાં
એનો અક્ષર જોયો
ને નામ યાદ ન આવ્યું,
ત્યારે થોડો વધારે.

સાંજે
મારા જ ગામે
કોઈએ પૂછ્યું: ‘કોનું કામ છે, કાકા?’

આમ રોજ
થોડું થોડું મરીને
હું એટલો હલકો થઈ ગયો છું
કે છેલ્લે આવનારું મરણ
મને ઊંચકશે
ત્યારે
એને નવાઈ લાગશે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસપનામાં મેળોઆગલો લેખ →ઝીલાય ના