નામ
સ્લેટ પર
મેં તારું નામ લખ્યું
ને થૂંક લગાડી
ઝટ ભૂંસી નાખ્યું —
માસ્તર જોઈ જાય તો?
પછી ડાયરીમાં લખ્યું,
ફાડી નાખ્યું.
રેતીમાં લખ્યું,
મોજાંને સોંપી દીધું.
ફોનમાં ટાઇપ કર્યું,
‘ડિલીટ’ દબાવ્યું.
આજે સમજાય છે —
જેટલી વાર ભૂંસ્યું,
એટલી વાર
વધારે ઊંડું લખાયું;
સ્લેટ તો ક્યારની તૂટી ગઈ,
નામ હજી
આંગળીના ટેરવે છે.
– પરાગ રતનપરા