ન આવડ્યું
પિતાના ખાટલે બેઠો, મને રડવું ન આવડ્યું,
હતો આખો સમંદર ભીતરે, વહવું ન આવડ્યું.
બધા દરબારમાં ઝૂકી ગયા, આગળ વધી ચાલ્યા,
મળી ના એક પણ ખુરશી, મને નમવું ન આવડ્યું.
બધા સાહેબની છીંકેય તાળી પાડતા ત્યાં તો,
મને ખાંસી ચડી ગઈ, ડોળ પણ કરવું ન આવડ્યું.
હતા મેળા, હતી ભીડો, હતા મિત્રો ય સૌ સાથે,
છતાં ખુદને જ પોતાથી મને મળવું ન આવડ્યું.
પરાગે ડાળ પર બેસી, હવામાં વિસ્તરી જોયું,
ઘણું જાણ્યું ભલે એણે, છતાં ખરવું ન આવડ્યું.
– પરાગ રતનપરા
#ગઝલ #આત્મકથન #પિતા #ખુદ્દારી #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #ThingsINeverLearned #Father #SelfRespect #Satire #ParagRatanpara