મંદિરના ઈશ્વરને
હે ઈશ્વર,
રાતે નવ વાગ્યે
પૂજારી
તારા દરવાજે તાળું મારીને
ઘેર જાય છે,
ત્યારે તને બીક નથી લાગતી?
આખી રાત
અંધારા ગર્ભગૃહમાં
ચાંદીના મુગટ
ને સોનાના હાર નીચે
તું એકલો
શું કરે છે?
બહાર
ઓટલા પર
એક ભિખારણ
એના છોકરાને
ગોદડીમાં લપેટીને
સૂતી છે.
એક વાર
તાળું તોડીને
બહાર આવ —
એ ગોદડીમાં
તારા માટે પણ
જગ્યા છે.
– પરાગ રતનપરા