મૌનનો વરસાદ
કવિતા લખતાં પહેલાં
કાગળ પર એક સફેદ ખેતર હોય છે.
હું શબ્દો વાવું
એ પહેલાં
ત્યાં મૌનનો વરસાદ પડે છે.
ઘણા લોકો
સીધું બીજ નાખે છે,
ને ઝટપટ મોલ લણી લે છે.
હું રાહ જોઉં છું
કે ધરતી ભીની થાય,
કે કાગળની નીચે
કોઈ ધબકારો સંભળાય.
કેટલીક કવિતાઓ
એટલે જ ઊગતી નથી —
એ મૌનમાં જ
પાકી જાય છે.
– પરાગ રતનપરા