← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મને રોકે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નગર જાવા ચડું ગાડે, નમી ડાળી મને રોકે,
હજી મા પીરસે ભાણું, ભરી થાળી મને રોકે.

સખા સાથે રમેલી એ રમત બાકી રહી ત્યાંની,
અધૂરા દાવ ને ત્યાંની પડી તાળી મને રોકે.

હવે તો કોઈ ના બેઠું ઝરૂખે સાંજને ટાણે,
છતાં નકશી ભરેલી આ ખુલી જાળી મને રોકે.

તળાવે ઠેકડા મારી અમે જ્યાં ખૂબ નાહ્યા’તા,
હજી શેવાળથી ભીની ઢળી પાળી મને રોકે.

પરાગે ઊડવું’તું દૂર ફોરમ થઈ હવા સાથે,
છતાં ડેલી ઉપર માએ મને ભાળી, મને રોકે.

– પરાગ રતનપરા

#ગઝલ #ગામ #વતન #માની_મમતા #સ્થળાંતર #પરાગરતનપરા
#GujaratiGhazal #VillageRoots #Homeland #MothersLove #Migration #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસમાધિ-પહાડઆગલો લેખ →હઠ