મારો સમય આવે ત્યારે
જ્યારે મારો સમય આવે,
ત્યારે
શોકસભા ન રાખશો,
ફોટા પર સુખડનો હાર
ન લટકાવશો.
હું તો
ગામના પાદરની
પેલી ધૂળ છું —
જે ગાડાં નીચે કચડાઈ,
વરસાદે ભીંજાઈ,
ને તોય
દરેક પગલે
ઊડીને
આંખમાં ખૂંચી.
મને બાળજો તો
રાખ
ખેતરમાં વેરજો;
મારે
ફરીથી
ઘઉંના એક દાણામાં
જાગવું છે,
ને કોઈ ભૂખ્યા છોકરાના
પેટમાં જઈ
હસવું છે.
– પરાગ રતનપરા