મારા ગામમાં
ક્યાં ગયા ટહુકા? નથી એ મોર મારા ગામમાં,
સાંજના પાછાં ન આવે ઢોર મારા ગામમાં.
મંદિરે ઝાલર નથી, ના કૂકડાનો સાદ છે,
ફોનની રિંગે પડે છે ભોર મારા ગામમાં.
જ્યાં હતા વડલા, હતા પીપળ, હતા ત્યાં ચોતરા,
આજ ઊભા છે બધે બસ થોર મારા ગામમાં.
રોડ આવ્યા, ટાવરો આવ્યા, વિકાસો પણ થયા,
સાથ આવ્યા છે નવા સૌ ચોર મારા ગામમાં.
આ ‘પરાગે’ મ્હેક ફેલાવી પરાયા દેશમાં,
નાળની બાંધી હજી છે દોર મારા ગામમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ગામડું #બદલાતુંગામ #વતન #વિદેશ #પરાગરતનપરા
#GujaratiGhazal #MyVillage #ChangingVillage #Homeland #Diaspora #ParagRatanpara