← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માછલીઘર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડ્રોઇંગરૂમના ખૂણે
કાચનું માછલીઘર.
રંગીન પથ્થર,
પ્લાસ્ટિકનો છોડ,
પરપોટા છોડતું યંત્ર,
ને ત્રણ સોનેરી માછલીઓ.

રોજ સવારે
દીકરો દાણા નાખે,
મહેમાનો આંગળી અડાડી કહે:
‘કેટલી ખુશ છે!’

એક રાતે
ઊંઘ ન આવી,
તો હું
માછલીઘર સામે બેઠો.

એક માછલી
વારેવારે
કાચની દીવાલ સુધી જતી,
અટકતી,
પાછી વળતી,
ફરી જતી —
જાણે
કાચની પેલે પાર
કોઈ દરિયો
એને બોલાવતો હોય.

સવારે
મેં ઑફિસ જવા
ટાઈ બાંધી,
ને આયનામાં
કાચની દીવાલ સુધી આવેલો
એક ચહેરો
અટકીને
પાછો વળી ગયો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપાવાગઢઆગલો લેખ →ખુદા