← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લીમડાને રાખડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભાઈ પરદેશ ગયો
એ પહેલાં
વાડામાં એક લીમડો રોપી ગયો હતો.

આ વખતે પણ
વીડિયો કૉલ પર
ભાઈએ કાંડું ધર્યું,
ને મેં સ્ક્રીનને કંકુ કર્યું.

પછી કોઈ ન જુએ એમ
વાડામાં ગઈ,
ને લીમડાને રાખડી બાંધી.

લીમડો કડવો છે,
ભાઈ જેવો જ —
વાતવાતમાં ચીડાઈ જાય.

પણ આખા ઘર પર
છાંયો એ જ કરે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવાટઆગલો લેખ →ગાડાવાટ