← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લાલ પેટી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામના ચોરે
એક લાલ પેટી છે —
ટપાલની.

વર્ષોથી
એમાં કોઈ કાગળ નાખતું નથી.
રંગ ઊખડી ગયો છે,
મોં પર કરોળિયાનું જાળું છે.

પણ જીવીમા
રોજ સવારે ત્યાં જાય છે,
પેટીને હાથ ફેરવે છે,
જાણે કોઈ જૂના સાથીને પંપાળતાં હોય.

એમનો દીકરો
ચાલીસ વરસ પહેલાં
શહેર ગયો હતો,
ને પહેલો કાગળ
આ જ પેટીમાંથી
આવ્યો હતો.

હવે દીકરો
વીડિયો કૉલ કરે છે,
દર રવિવારે,
પાંચ મિનિટ.

જીવીમા કહે છે:
‘ફોનમાં અવાજ તો આવે,
પણ કાગળમાં
એની આંગળીઓ આવતી.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમામાનું ઘરઆગલો લેખ →માળો છોડતાં