ક્યાંક તો
જ્યાં ન વાડો હોય એવું ગામ હોતું ક્યાંક તો,
જ્યાં કદી ભૂખ્યું ન બાળક રાત રોતું ક્યાંક તો.
ચાંદ જેવો સાફ, જેમાં માણસો સાચા દિસે,
કાશ દર્પણ હોય એવું રોજ જોતું ક્યાંક તો.
પાપ ગંગામાં વહાવી ઘેર આવ્યા સૌ ફરી,
કોઈ મનનો મેલ પણ જળથી ય ધોતું ક્યાંક તો.
ફાઇલોના ઢગ તળે છે એક અરજી રંકની,
આંખ એની લૂછવાને એક પોતું ક્યાંક તો.
આ ‘પરાગે’ વાંસળીનો સૂર શોધ્યો આયખું,
સાંભળીને વિશ્વ આખું હોશ ખોતું ક્યાંક તો.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્વપ્નનુંગામ #સમાનતા #માનવતા #આશા #પરાગરતનપરા
#GujaratiGhazal #Utopia #Equality #Humanity #Longing #ParagRatanpara