ક્યાં વસે?
સુખ તણી શોધે ભમું, એ કોણ ગામે ક્યાં વસે?
દેવળે? ધનમાં? કદી એ ઈશ-નામે ક્યાં વસે?
બાળપણમાં એ હતું તો માત કેરા ખોળલે,
આજ મોંઘા મોલમાં એ લાખ દામે ક્યાં વસે?
આરતીમાં, ઘંટમાં, ધૂપે ય ના ભાળ્યું કશે,
તીર્થ ને યાત્રા કરી, તો ચારધામે ક્યાં વસે?
ઝૂંપડીમાં બાળ હસતું રોટલો લઈ હાથમાં,
સુખ અહીં બેઠું, પછી એ અન્ય ઠામે ક્યાં વસે?
આ પરાગે પૂછતાં ફૂલો હસીને બોલિયાં:
‘વેરવામાં છે, પછી એ લોભ-કામે ક્યાં વસે?’
– પરાગ રતનપરા
#ગઝલ #સુખ #સંતોષ #બાળપણ #આપવાનોઆનંદ #પરાગરતનપરા
#GujaratiGhazal #SearchForHappiness #Contentment #JoyOfGiving #SimpleLife #ParagRatanpara