← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કુંભાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કુંભાર
આખો દિવસ
ચાકડે માટી ફેરવે છે,
ગામ આખાની તરસ માટે
ઘડા ઘડે છે.

સાંજે
વેચાયા વગરનો
એક તિરાડવાળો ઘડો
એના ઘરમાં આવે છે.

એ જ ઘડામાંથી
એનાં છોકરાં પાણી પીએ છે —
ટીપે ટીપે ઝમતું,
ઓછું ઓછું.

ક્યારેક વિચારું છું:
ઈશ્વર પણ કદાચ કુંભાર જ હશે —
આખી દુનિયાને આખાં વાસણ આપીને
પોતાને માટે
તિરાડવાળું જ રાખતો હશે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખભીતર જરાઆગલો લેખ →બરફનો ગોળો