← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ક્ષણોમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સદી એક આખી ગુજારી ક્ષણોમાં,
અમે જિંદગી પણ વિચારી ક્ષણોમાં.

હતું ભીતરે જે યુગોથી અધૂરું,
ગઝલમાં બધું એ ઉતારી ક્ષણોમાં.

વરસ પાંચ ખાડા જ ખાડા હતા, પણ
સડક ગામની સૌ સુધારી ક્ષણોમાં.

જનમભર કરી રાહ જેની, ખુશી એ
મરણ-ખાટલે આ પધારી ક્ષણોમાં.

પરાગે હવા પાસથી મ્હેક માગી,
કરી ચૂકતે એ ઉધારી ક્ષણોમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #ક્ષણ #સમય #પ્રતીક્ષા #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Moments #Time #Waiting #Satire #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનથીઆગલો લેખ →ચકલી