કૂવો
ગામનો કૂવો
સો વર્ષથી
ગામની તરસ ભાંગતો.
દીકરીઓ
વિદાય વખતે
એના થાળે માથું મૂકીને રડતી,
વહુઓ
ઘડા ભરતાં ભરતાં
આખા ગામની વાતો
એના કાનમાં ઠાલવતી.
હવે નળ આવ્યા.
કૂવો
પૂરી દેવાયો,
ને ઉપર
પાર્કિંગ બન્યું.
પણ ઉનાળાની બપોરે
ગામની એક ઘરડી ડોશી
હજી
એ પાર્કિંગમાં ઊભી રહીને
નીચે જોયા કરે છે —
જાણે
પાણી નહીં,
પોતાનું પ્રતિબિંબ
શોધતી હોય.
– પરાગ રતનપરા