કોને ખબર?
કાલનો સૂરજ હવે પણ આવશે, કોને ખબર?
આજનો આ સ્વાદ કાલે ભાવશે, કોને ખબર?
આભ સામે મીટ માંડી, બીજ નાખ્યું ખેતરે,
વાદળું આ વર્ષ ખેતર વાવશે, કોને ખબર?
ગામથી આવી ગયો હું ફ્લેટના પિંજર મહીં,
આ કબૂતરને અહીં પણ ફાવશે, કોને ખબર?
દાંત નકલી ને નવા, દાદા ઘણા હરખાઈ ગ્યા,
પણ હવે એ શેરડી શું ચાવશે, કોને ખબર?
આ પરાગે તો હવામાં મ્હેક વેરી છે બધે,
કઈ દિશાથી કોણ પાછી લાવશે, કોને ખબર?
– પરાગ રતનપરા
#ગઝલ #અનિશ્ચિતતા #ખેડૂત #ગામ #હાસ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Uncertainty #Farmer #VillageToCity #Humour #ParagRatanpara