ખુરશી
કપાયું વૃક્ષ આખું ને પછી તો બસ મળી ખુરશી,
હતા માળા, હતા ટહુકા, બધું એ તો ગળી ખુરશી.
અમે વિશ્વાસથી દીધા હતા મત, ને ધજા લઈને,
અમારા હાથ કાપીને, ઉપર બેસી છળી ખુરશી.
હતો ઠસ્સો, હતા હારો, હતી ગાડી ય લાંબી પણ,
ગયા મત, ને ગયા ચમચા, ઘડીભરમાં ઢળી ખુરશી.
નગરમાં આગ ચાંપી, ને ઘણાં ઘર રાખ થઈ ચાલ્યાં,
છતાં એ આગ શેકીને, કહો તો ક્યાં બળી ખુરશી?
પરાગે ફૂલ વાવ્યાં'તાં, ફરી ત્યાં વૃક્ષ ઊગે, પણ
ડરું છું એ ય ના લઈ જાય, આવીને ભળી ખુરશી.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #રાજકારણ #સત્તા #પર્યાવરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #PoliticalSatire #PowerHunger #Environment #Corruption #ParagRatanpara