ખોદકામ
કવિતા લખવી
એટલે
પોતાની અંદર
ખોદકામ કરવું.
પહેલા સ્તરે
ગઈકાલનો કચરો મળે —
બિલ, ગુસ્સો, ટ્રાફિક.
થોડું ઊંડે
બાળપણનાં ઠીકરાં —
તૂટેલી લખોટી,
માની બંગડીનો ટુકડો.
એથીય ઊંડે
એક બંધ ઓરડો,
જેની ચાવી
કોઈ શબ્દકોશમાં નથી.
ત્યાં સુધી પહોંચું
ત્યારે હાથ ધ્રૂજે છે,
ને કલમ
અચાનક
ચૂપ થઈ જાય છે —
કદાચ
સૌથી સાચી કવિતા
ત્યાં જ દટાયેલી છે.
– પરાગ રતનપરા