કેદ છે
હજારો શબદની નદી કેદ છે,
બિડેલા અધરમાં સદી કેદ છે.
અઢી અક્ષરો બોલવા’તા મને,
છતાં આજ લગ એ ઘડી કેદ છે.
ભરી ભીડમાં હાસ્ય વેરે બધા,
ખરી તો દિલોમાં ખુશી કેદ છે.
ઘરે પાંખવાળી પરી અવતરી,
હજી પાંજરામાં કળી કેદ છે.
પરાગે કદી પણ ન બોલ્યું કશું,
કલમમાં તમારી છબી કેદ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #મૌન #અણકહી #પ્રેમ #બંધન #પરાગરતનપરા
#GujaratiGhazal #UnspokenWords #Silence #CagedFeelings #Longing #ParagRatanpara