કવિતા ક્યાંથી આવે છે?
લોકો પૂછે છે:
કવિતા ક્યાંથી આવે છે?
હું કહું છું —
રાતે બે વાગ્યે
દીકરીનો તાવ ઊતરે
ને એ ઊંઘમાં જ હસી પડે,
ત્યાંથી.
ખેતરમાં
પહેલો ફણગો
માટીનું પોપડું ફાડીને
ડોકું કાઢે,
ત્યાંથી.
બાપુજીના ચશ્માંની
તૂટેલી દાંડીએ
વીંટાળેલા
સફેદ દોરામાંથી.
લોકો હસે છે:
‘એમાં કવિતા ક્યાં છે?’
બસ,
એ પ્રશ્નના પોલાણમાંથી જ.
– પરાગ રતનપરા