← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કતારોમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જનમતાંવેંત નંબર લઈ, ફરી ઊભા કતારોમાં,
બધાં ફૉર્મો, બધી અરજી ભરી ઊભા કતારોમાં.

સવારે એક નળ ટપકે, હજારો ડોલ ખખડે છે,
ગળું સૂકું, ઘડો ખાલી, ધરી ઊભા કતારોમાં.

ગયા સીધા જ મંદિરમાં, સગાં જેના હતા ટ્રસ્ટી,
અમે તો દીપ ને શ્રીફળ ધરી ઊભા કતારોમાં.

ઘસાયા બૂટ, ડિગ્રીની નકલ ઝાંખી પડી ગઈ છે,
ભણેલા છોકરા ફાઇલ ભરી ઊભા કતારોમાં.

પરાગે એ ય જોયું કે સ્મશાને પણ નથી છુટ્ટી,
ચિતા માટે કફન ઓઢી, મરી ઊભા કતારોમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #કતાર #આમઆદમી #વ્યવસ્થા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #CommonMan #Queues #Bureaucracy #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખઊંચકવાની રીતઆગલો લેખ →મુબારક