કલમ
આ કલમથી
દાદાએ
પહેલી વાર
અંગૂઠાને બદલે
સહી કરી હતી —
ગર્વથી.
આ જ કલમથી
બાપુએ
મારી નિશાળની
ફી-રસીદ પર
સહી કરી હતી —
ખેતર ગીરવે મૂકીને.
આ જ કલમથી
મેં
પહેલો પ્રેમપત્ર લખ્યો હતો —
ધ્રૂજતા હાથે.
ને આજે
આ જ કલમથી
મારો દીકરો
ઘરના ભાગલાના કાગળ પર
સહી કરે છે.
કલમ
ચૂપ છે.
પણ એની ટાંક
પહેલી વાર
અટકી અટકીને
ચાલે છે.
– પરાગ રતનપરા