ઝાપટું
અચાનક
ઝાપટું આવ્યું.
પહેલાં
આખું ઘર દોડતું —
‘કપડાં! કપડાં લઈ લો!’
ને સૌથી આગળ
બા
સાડીનો છેડો કમરે ખોસીને
દોરી પરથી
ધોતિયાં, ચાદરો, ચડ્ડીઓ
બાથમાં ભરતી.
આજે પણ
ઝાપટું આવ્યું.
દોરી પર કપડાં હતાં.
કોઈ દોડ્યું નહીં.
ઝાપટું
થોડી વાર
આંગણામાં ઊભું રહ્યું,
દોરી પરનાં કપડાં ભીંજવ્યાં,
પછી
ધીમે પગલે
પાછું વળી ગયું —
જાણે
કોઈને શોધવા આવ્યું હોય
ને
ઘર ખોટું પડ્યું હોય.
– પરાગ રતનપરા