ઝાલરટાણું
ગામમાં
સાંજની આરતીની ઝાલર વાગે,
ને આખું ગામ
એકસાથે
થોભી જાય.
ખેતરેથી પાછું આવતું ગાડું,
કૂવે બેડું ભરતી વહુ,
પાદરે લખોટી રમતાં છોકરાં,
ને ઓટલે બેઠેલા દાદા —
સૌના હાથ
આપોઆપ
જોડાઈ જાય.
ગાયો ભાંભરે,
ચકલીઓ ઝાડમાં સમાઈ જાય,
ને ચૂલાનો ધુમાડો
મંદિરના શિખર સુધી
ધીમે ધીમે
પહોંચે.
શહેરમાં
સાંજે
ફક્ત ટ્રાફિકના
સિગ્નલ બદલાય છે.
ત્યાં
કોઈ થોભતું નથી —
લાલ બત્તી સિવાય.
– પરાગ રતનપરા