જશોદાબા
રાતે
દીવો ઠારતાં પહેલાં
જશોદાબા
ઠાકોરજીને કહે છે:
‘કાના,
આજે તો સપનામાં આવજે.’
પછી
ઓઢણું સરખું કરતાં
ધીમેથી ઉમેરે:
‘ને હા,
એકલો ના આવતો.
પેલા ધોતિયાવાળા,
ચશ્માંવાળા,
ખોંખારો ખાતા ભાઈને
ય લેતો આવજે.
ચાલીસ વરસ
મારી ચા
ઠંડી નથી થવા દીધી એમણે…
ને હવે
દસ વરસથી
ચા ઠંડી જ પીઉં છું.’
ઠાકોરજી
કંઈ બોલતા નથી,
બસ
દીવાની જ્યોત
થોડી વધુ
ઝળહળી ઊઠે છે.
– પરાગ રતનપરા