જન્માષ્ટમી
જન્માષ્ટમીની રાત.
મંદિરમાં
બરાબર બાર વાગ્યે
ઘંટ, શંખ, ‘નંદ ઘેર આનંદ ભયો’,
પારણું, માખણ-મિસરી.
એ જ રાતે
સરકારી દવાખાનાના
જનરલ વૉર્ડમાં
એક મજૂરણ
બાર ને પાંચે
દીકરાને જન્મ આપે છે.
ન ઘંટ,
ન શંખ,
ન પારણું.
બહાર
વરસાદ ધોધમાર,
ને બાપ
લોખંડના બાંકડે
ભીનો બેઠો છે —
છાતીએ દીકરાને વળગાડી
જાણે
જમના પાર કરતો હોય.
કાનો
દર વરસે
જન્મે છે —
આપણે બસ
ખોટી જગ્યાએ
પારણું ઝુલાવીએ છીએ.
– પરાગ રતનપરા