હું ઘડું
હોય તોફાનો ભલે, મારી જ હોડી હું ઘડું,
ને હલેસાં હાથ મારા, એમ જોડી હું ઘડું.
ભાગ્યમાં ઝોળી લખી ખાલી ભલે એ ઈશ્વરે,
તોય પરસેવે ભરી, એકેક કોડી હું ઘડું.
ઠોકરો વાગી, પડી ગ્યો, પગ ભલે ભાંગી ગયા,
ચાલવાને લાકડીની એક ઘોડી હું ઘડું.
સૌ ગયા આગળ ધસી, હું એકલો રસ્તા ઉપર,
તોય મંઝિલ એક પગલે સાવ મોડી હું ઘડું.
જાત તૂટે ભીતરેથી, તો જ જન્મે છે પરાગ,
એટલે આ ખોળ મારી, જાત તોડી હું ઘડું.
– પરાગ રતનપરા
#ગઝલ #આત્મબળ #પુરુષાર્થ #સ્વાવલંબન #હિંમત #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfReliance #InnerStrength #Perseverance #Courage #ParagRatanpara