હોર્ડિંગ
ચાર રસ્તા પર
મેં એક કવિતા ટાંગી —
મોટા અક્ષરે,
ચોવીસ બાય બાર ફૂટના હોર્ડિંગ પર.
ગાડીઓ સિગ્નલે થોભી,
કોઈએ હોર્ન માર્યું,
કોઈએ મોબાઇલ જોયો,
કોઈએ બાજુના હોર્ડિંગ પરની
સાડીની સેલ જોઈ.
સિગ્નલ લીલું થયું.
સૌ નીકળી ગયા.
સાંજે જોયું તો
એક ભૂખ્યું કૂતરું
કવિતાના છાંયડામાં
સૂતું હતું.
ચાલો,
કોઈકને તો
કવિતાએ
છાંયો આપ્યો.
– પરાગ રતનપરા