← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હૂંફ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તાપણે બેઠાં બધાં, ને ગાય ગાણું હૂંફમાં,
ખાટલે સૌ સાથ બેસી ખાય ભાણું હૂંફમાં.

એક ચકલી ઠૂંઠવાતી બારણે આવી ચડી,
રાતભર સાથે રહી, દીઠું વહાણું હૂંફમાં.

માંડતાં દાદી કથા, દાદા મલકતા મૂછમાં,
પૂછતા સૌને મજાનું કો’ ઉખાણું હૂંફમાં.

લાકડાં ઓછાં હતાં, ને કોલસા ક્યાંથી હતા?
તાપવા કાજે બળે’તું એક છાણું હૂંફમાં.

આજ હીટર, ધાબળા ને ફ્લૅટ છે, પણ ઓ પરાગ,
ક્યાં હવે એ ઓસરી ને એ જ ટાણું હૂંફમાં?

– પરાગ રતનપરા

#ગઝલ #શિયાળો #હૂંફ #પરિવાર #સંભારણાં #પરાગરતનપરા
#GujaratiGhazal #WinterWarmth #Family #VillageMemories #Togetherness #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખશબ્દઆગલો લેખ →અબોલા