હૂંફ છે
પોષની ઠંડી સવારે તાપણાની હૂંફ છે,
ઊતરે તડકો ધરા પર, આંગણાની હૂંફ છે.
ગોદડી સીવી હતી બાએ, પુરાણાં ચીર લઈ,
આજ પણ એમાં ભળેલી ઓઢણાની હૂંફ છે.
એક નાનું બાળ આવ્યું શીતમાં અમ ઓરડે,
ધૂપ જેવી ઝૂલતા એ પારણાની હૂંફ છે.
ગામ છોડી દૂર આવ્યો, બરફના આ દેશમાં,
સાંભરે ત્યાં ગામના એ બારણાની હૂંફ છે.
આ પરાગે પણ ગઝલની શાલ ઓઢી રાતભર,
અક્ષરોના એ જ ઝીણા તાંતણાની હૂંફ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #શિયાળો #હેમંત #હૂંફ #ઘર #પરાગરતનપરા
#GujaratiGhazal #WinterWarmth #Hemant #Home #CozyMemories #ParagRatanpara